Saturday, 9 November 2013

ગવારશિંગ: ભાણે કિંમત નહીં ને આંતરરાષ્ટ્રિય બજારમાં બોલબાલા

 - હવે પછી થાળીમાં ગવારશિંગનું શાક પીરસાય ત્યારે ગવારશિંગની હાંસી કરતાં પહેલાં એટલું યાદ કરી લેજો કે અમેરિકાની મોટી ક્રુડ ઓઇલ કંપનીઓથી માંડીને 'નેસ્લે'બહુરાષ્ટ્રિય કંપનીઓ ભારતમાં ગુવારનો પાક કેવો ઉતરે છે, તેની પર નજર રાખે છે...



ભારતના સામાજિક વ્યવહાર, રાજકારણ અને પ્રસાર માધ્યમોમાં વખતોવખત ચમક્યા કરતું એકમાત્ર શાક એટલે ડુંગળી. તેનો ઉલ્લેખ પણ મોટે ભાગે કકળાટાત્મક જ હોય.. ડુંગળીના ભાવ બહુ વધી ગયા... ગરીબોને પોસાતી નથી ને પૈસાદારોને રેસ્ટોરાંમાં ડિશમાં મળતી નથી... ડુંગળીના ભાવ કેમ વધે છે એ વિશેનાં અવનવાં 'પડીકાં' ફરતાં રહે છે. તેમાં સૌથી મૌલિક ૧૯૯૮ના પોખરણ અણુપરીક્ષણ વખતનું હતું.... 'ડુંગળી મોઘી જ થાય ને. પોખરણના અણુધડાકા પછી કિરણોત્સર્ગ- રેડિએશન ફેલાય નહીં, એ માટે ધડાકાની જગ્યાઓ પર ટ્રકોની ટ્રકો ભરીને ડુંગળી ઠાલવવામાં આવી છે.'

સમાચારોની દૃષ્ટિએ હાઇ પ્રોફાઇલ ગણાય એવી ડુંગળી સામે, રમૂજમાં 'ઢોરોનો ખોરાક' ગણાતી ગવારશિંગની શી હસ્તી? ગુજરાત સહિત ભારતનાં બીજાં રાજ્યોમાં ગવારશિંગનું શાક ખવાય છે, સૂકવણી તરીકે તેમનો ઉપયોગ થાય છે. પરંતુ ભાણામાં તેને કદી મોભાદાર દરજ્જો મળ્યો નથી. આ થઇ શાકની વાત, પણ ગવારશિંગનો અસલી મહિમા શાક તરીકેનો નથી. છેલ્લાં બે-ત્રણ વર્ષની કેટલીક વિગતો પર નજર નાખ્યા પછી મામૂલી જણાતી ગવારશિંગનું 'બ્રહ્મસ્વરૃપ' સમજાઇ શકે છે.


 

'ભારતમાંથી સૌથી વધુ નિકાસ કયા ખેતપેદાશની થાય છે?' આવા સવાલના જવાબ માટે બાવીસ નહીં, બે વિકલ્પ આપ્યા હોય અને તેમાં એક નામ ગવારશિંગનું હોય તો મોટા ભાગના લોકો ગવાર સિવાયનો વિકલ્પ પસંદ કરે. થોડા જાણકારોના મનમાં કદાચ વિશ્વપ્રસિદ્ધ બાસમતી ચોખાનું નામ આવી શકે. પરંતુ હકીકત એ છે કે આ મોભાદાર સ્થાન 'ગુઆર ગમ' તરીકે ઓળખાતા ગવારસિંગના બીયાના પાવડરનું છે.


અંગ્રેજીમાં Guar Gum તરીકે ગવારસિંગનાં બીયાંના ભૂકાની નિકાસના આંકડા વાંચ્યા પછી ગુવાર પ્રત્યે જોવાની દૃષ્ટિ બદલાઇ જશે. વર્ષ ૨૦૧૧-૧૨માં ૨.૯ અબજ ડોલર, ૨૦૧૨-૧૩માં ૩.૩ અબજ ડોલર અને આ વર્ષના પહેલા ત્રણ મહિના (એપ્રિલ-મે-જૂન)માં ૭૩.૭ કરોડ ડોલર. ભારતમાંથી આટલી કિંમતનો ''ગુઆર ગમ' (પાવડર) અમેરિકા સહિતના અનેક દેશોમાં જાય છે. તેમાંથી મોટો હિસ્સો અમેરિકા ખરીદે છે અને બદલામાં ભારતને મૂલ્યવાન ડોલર ચૂકવે છે.
 
 
 
 

એવું તે શું છે 'ગુઆર ગમ' તરીકે ઓળખાતા પાવડર કે તેનાં બીજાં સ્વરૃપોમાં, જેનો વિદેશી બજારમાં આટલો ભાવ ઉપજે છે? જવાબમાં ગવારશિંગનાં બિયાંમાંના ભૂકા અથવા તેમાંથી બનતા ઘટ્ટ પ્રવાહી ('ગમ')ના અસંખ્ય ઉપયોગોની લાંબી યાદી મળે છે. 'ગુઆર ગમ'નો ઉપયોગ આઇસક્રીમ અને ખાણીપીણીની ચીજવસ્તુઓથી માંડીને સૌંદર્ય પ્રસાધનો, દવાઓ, વિસ્ફોટકો, કાગળ જેવી બનાવટોમાં અને સૌથી મહત્ત્વનું તો- ખડકોમાં ધરબાયેલા ક્રુડ ઓઇલના ખજાનાને બહાર કાઢવા માટે થાય છે. આંતરરાષ્ટ્રિય બજારમાં તેના ઉંચકાયેલા ભાવ માટે ક્રુડ ઓઇલ કાઢવામાં તેનો ઉપયોગ મહત્ત્વનો બન્યો છે.

કામધેનુ કે કલ્પવૃક્ષની આધુનિક આવૃત્તિ લાગે એવા 'ગુઆર ગમ'નો એક ગુણધર્મ સૌથી કામનો છે ઃ તે કોઇ પણ ચીજને ઘટ્ટ બનાવે છે. ગુઆર ગમના ઘટ્ટ સ્વરૃપમાં જે ભેળવવામાં આવે, તે ચીજવસ્તુઓ ઓગળી કે બેસી જવાને બદલે, કલિલ સ્વરૃપમાં રહે છે. દા.ત. પાણીમાં રેતી ભેળવવામાં આવે તો શું થાય? રેતીના કણ બેસી જાય. પરંતુ 'ગુઆર ગમ'માં રેતી ભેળવવામાં આવે, તો રેતીના કણ ગુઆર ગમમાં એક સરખી માત્રામાં વહેંચાયેલા અને 'બેસી' જવાને બદલે તરતા રહે છે. માટે કોઇ પણ મિશ્રણને આવું ઘન અને પ્રવાહી વચ્ચેનું સ્વરૃપ આપવામાં 'ગુઆર ગમ' અત્યંત ઉપયોગી છે- પછી તે આઇસક્રીમ હોય કે સલાડ પરનું ડ્રેસિંગ. ઘરના ફ્રીઝમાં બનાવેલા આઇસક્રીમમાં બરફની પતરી બાઝી જતી હોવાનો ઘણાને અનુભવ હશે. આવી પતરીઓ ન બાઝે અને આઇસક્રીમનું આખું મિશ્રણ એકસરખું ઘટ્ટ પોત ધરાવતું બની રહે, એ માટે ઘણા ઉત્પાદકો 'ગુઆર ગમ' વાપરે છે.

એવી જ રીતે, ખડકોમાં ધરબાયેલા ક્રુડ ઓઇલને બહાર કાઢવા માટે થતી 'હાઇડ્રોલિક ફ્રેક્ચરિંગ'ની પ્રક્રિયામાં ગુઆર ગમ અગત્યની ભૂમિકા ભજવે છે --અને એટલે જ એના ભાવ આસમાને ચડયા છે. ક્રુડ ઓઇલ જમીનની સપાટીથી અમુક ફૂટ નીચેથી મળી આવે તો સીધેસીધું શારકામ કરીને તેને કાઢી લેવાય, પણ ક્રુડ ઓઇલ અશ્મિજન્ય- જૂના વખતમાં દટાયેલા સજીવોનાં મૃતદેહોમાંથી રાસાયણિક પ્રક્રિયાના અંતે બનતું- બળતણ છે. એટલે હંમેશાં તે આટલું સુલભ હોતું નથી. ઘણી વાર તે ખડકોમાં વેરવિખેર ધરબાયેલું હોય છે. એવી જગ્યાએથી તેને પહેલાં એક ઠેકાણે એકઠું કરવા માટે ભારે દબાણથી પાણીનો મારો કરવામાં આવે છે. તેના કારણે ખડકોમાં રહેલી ફાટ વ્યવસ્થિત નળી જેવું સ્વરૃપ ધારણ કરે છે -- કહો કે વેરવિખેર રહેલા ક્રૂડ ઓઇલ માટે એ રસ્તો બનાવી આપે છે, જ્યાંથી ઓઇલ આગળ વધીને એક જગ્યાએ જથ્થામાં ભેગું થાય. 'હાઇડ્રોલિક ક્રેકિંગ'-- પાણીની મદદથી ખડકમાં 'નળીઓ' પાડવાની આ પ્રક્રિયામાં પાણીની સાથે રેતી અને 'ગુઆર ગમ'નું મિશ્રણ કરવામાં આવે છે.

'ગુઆર ગમ'નો 'ચમત્કાર' એ છે કે ખડકોમાં સર્જાતી ફાટમાં તે ઘટ્ટ સ્વરૃપે પ્રવેશે છે. રેતી 'ગમ'માં બેસી જવાને બદલે, એકસરખી પથરાયેલી રહે છે અને તેમની જુગલબંદી ખડકોમાં પાણીના દબાણથી સર્જાયેલી ફાટોને પુરાવા દેતી નથી. એટલે કે, પાણી એક વાર ધસારો કરીને ખડકોમાં જે ફાટ સર્જે છે, તેને રેતી અને 'ગુઆર ગમ'નું મિશ્રણ સ્થાયી સ્વરૃપ આપે છે, જેથી એ રસ્તે થઇને ક્રુડ ઓઇલને એક ઠેકાણે ભેગું કરી શકાય અને ત્યાંથી બહાર કાઢી શકાય.

અગાઉ આ પ્રક્રિયામાં 'ગુઆર ગમ'ની જગ્યાએ કાંજી (સ્ટાર્ચ) વપરાતી હતી. ૧૯૬૦ના દાયકામાં ગુઆર ગમનો સફળ અખતરો થયો. પરંતુ અડધી સદી પછી ખડકોમાંથી ક્રુડ ઓઇલ કાઢવામાં 'ગુઆર ગમ'નો ડંકો વાગી ગયો. બીજા વિકલ્પો અજમાવ્યા પછી પણ 'ગુઆર ગમકા જવાબ નહીં' એવું લાગ્યું, એટલે તેના ભાવ અકલ્પનીય રીતે ઉંચકાઇ ગયા. બે જ વર્ષમાં આશરે પાંચસો ગ્રામ 'ગુઆર ગમ' પાવડરનો ભાવ ૧ ડોલરમાંથી સીધો ૧૨ ડોલર થઇ ગયો. એક અંદાજ પ્રમાણે, મોટા પાયે થતી ફ્રેક્ચરિંગની એક વારની કામગીરીમાં આશરે નવેક હજાર કિલો 'ગુઆર ગમ' પાવડરની જરૃર પડે. એટલે ખડકોમાંથી ક્રુડ ઓઇલ કાઢવાની પ્રક્રિયામાં થતા કુલ ખર્ચમાંથી માત્ર ગુઆર ગમ પાવડર આશરે ૩૦ ટકા હિસ્સો ખાઇ જતો હતો.

ગવારસિંગનાં બીયાંની આંતરરાષ્ટ્રિય બોલબાલાનો સીધો ફાયદો ભારતને થયો. કારણ કે વિશ્વભરમાં થતા ગવારના કુલ ઉત્પાદનમાંથી આશરે ૮૦ ટકા જેટલી ગવાર ભારતમાં થાય છે. ભારતનાં ઉત્તરી રાજ્યો અને ગુજરાતમાં ગવારનું વાવેતર થાય છે, પરંતુ ગવારનો સૌથી વધુ પાક (ભારતના કુલ ઉત્પાદનમાંથી આશરે ૭૦ થી ૮૦ ટકા) રાજસ્થાનમાંથી ઉતરે છે. એટલે રાજસ્થાનનાં બજારોમાં 'ગુઆર ગમ'નો વાસ્તવિક અને વાયદાનો એમ બન્ને રીતે મોટા પાયે વેપાર થાય છે. 'ધ ઇકોનોમિક ટાઇમ્સ' ના પત્રકારોએ બે મહિના પહેલાં બિકાનેર જઇને એક 'ગવાર કિંગ'નો ઇન્ટરવ્યુ કર્યો હતો. કોલેજનાં પગથિયાં નહીં ચડેલા અને અંગ્રેજી માંડ બોલતા એ ભાઇની કંપની ગવારશિંગનાં બીયાં અને 'ગુઆર ગમ'નો વર્ષે દહાડે રૂ. ૩,૨૦૦ કરોડનો ધંધો કરે છે અને દિલ્હી-મુંબઇના ખેરખાંઓ તેમને 'ગવારકિંગ' ગણે છે.

 'ગવાર ગમ'ના અનેકવિધ વપરાશમાં ભલે ઘટાડો ન થાય, પણ તેના ભાવ આસમાને ચડાવનાર પેટ્રોલિયમ ઉદ્યોગમાં 'ગવાર ગમ'ની માગ ઘટી રહી છે. ખડકમાંથી ક્રુડ ઓઇલ કાઢવાની 'હાઇડ્રોલિક ક્રેકિંગ' સિવાયની પદ્ધતિ એ માટે જવાબદાર છે. તેની સીધી અસર ગવારના ભાવ અને તેની નિકાસ પર પડી છે. વર્ષ ૨૦૧૨ના એપ્રિલ-મેની સરખામણીમાં આ વર્ષના એપ્રિલ-મે મહિનામાં 'ગવાર ગમ'ની નિકાસમાં આશરે ૫૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્યાર પછી જુલાઇ, ૨૦૧૩માં ૪૫ હજાર ટન અને ઓગસ્ટ ૨૦૧૩માં ૩૭ હજાર ટન 'ગવાર ગમ'ની નિકાસ થઇ છે.

માર્ચ, ૨૦૧૨માં 'ગવાર ગમ'નો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો હતો "૧ ક્વિન્ટલ દીઠ રૂ . ૯૫ હજાર". ફક્ત એક જ વર્ષ પહેલાં એ ભાવ રૂ .૧૩ હજારની આસપાસ હતો. હવે ફરી એક વાર તેના ભાવ નીચા આવી રહ્યા છે. ગવારની ખેતીમાં તગડો ફાયદો જોતાં, પરંપરાગત રીતે ગવારનો પાક ન લેતાં રાજ્યોમાં પણ તેની ખેતી શરૃ થઇ છે. માટે ગવારનાં બીયાંનો પુરવઠો વધ્યો છે અને અમેરિકામાં તેની માગ ઘટી છે. 'ગવાર ગમ'નો ભાવ ઘટીને ક્વિન્ટલ દીઠ રૂ .૧૫-૨૦ હજારની આસપાસ થાય તો કદાચ અમેરિકાની ઓઇલ કંપનીઓ નવેસરથી તેનો મોટા પાયે ઉપયોગ કરવાનું શરુ કરે.

હવે પછી થાળીમાં ગવારશિંગનું શાક પીરસાય ત્યારે ગવારશિંગની હાંસી કરતાં પહેલાં એટલું યાદ કરી લેજો કે અમેરિકાની મોટી ક્રુડ ઓઇલ કંપનીઓથી માંડીને 'નેસ્લે' બહુરાષ્ટ્રિય કંપનીઓ ભારતમાં ગુવારનો પાક કેવો ઉતરે છે, તેની પર નજર રાખે છે. બને કે આ વિચાર્યા પછી ગવારશિંગનું શાક વધારે સ્વાદિષ્ટ નહીં તો પણ વધારે મોંઘેરું લાગે.............
 
 
Source: NavaJuni by Urvish Kothari,Ravi,Purti,Gujarat,Samachar

No comments:

Post a Comment